
Highest Toll Collection India 2024: ભારતના ટોપ 10 ટોલ પ્લાઝાની યાદીમાં ગુજરાતના ભરથાણા ટોલ પ્લાઝાએ પ્રથમ સ્થાન મળ્યું. જાણો કઈ જગ્યાએ કેટલો ટોલ ટેક્સ વસૂલાયો.
ભારતમાં ટોલ ટેક્સને લઈને લોકો વારંવાર ફરિયાદ કરતા રહે છે, પરંતુ શું તમને ખબર છે કે દેશનો સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા કયો છે? જવાબ છે ગુજરાતના ભરથાણા ગામમાં આવેલો ટોલ પ્લાઝા, જે નેશનલ હાઈવે 48 પર સ્થિત છે. આ હાઈવે દિલ્લી અને મુંબઈને જોડે છે અને દેશમાં સૌથી વધુ આવક આપનાર ટોલ પ્લાઝા તરીકે ઓળખાય છે. તો આ ટોલ પ્લાઝા કેટલી કમાણી કરે છે? અને સરકારને સૌથી વધુ આવક આપતા ટોપ 10 ટોલ પ્લાઝા કયા છે? ચાલો જાણીએ.
આ આંકડાઓ દર્શાવે છે કે ટોલ ટેક્સ હવે કેન્દ્ર સરકાર માટે કમાણીનું મુખ્ય સાધન બની ગયું છે. દેશમાં નેશનલ હાઈવેનું નિર્માણ જેટલી ઝડપથી થઈ રહ્યું છે, તેટલી જ ઝડપથી ટોલ ટેક્સની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. સંસદમાં સરકારે ટોલ ટેક્સથી થતી કમાણીના આંકડા રજૂ કર્યા, જેમાં સ્પષ્ટ થયું કે આનાથી સરકારની તિજોરી છલકાઈ રહી છે.
ગુજરાતના ભરથાણા ટોલ પ્લાઝાએ છેલ્લા 5 વર્ષમાં 2043.81 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે તેને દેશનો સૌથી વધુ આવક કરનાર ટોલ પ્લાઝા બનાવે છે. તેની સાથે જ ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝાએ પણ 1164.19 કરોડ રૂપિયાની આવક કરી છે. ટોપ 10માં ગુજરાતના આ બે ટોલ પ્લાઝા ઉપરાંત રાજસ્થાનના બે, ઉત્તર પ્રદેશના બે અને હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ તથા બિહારના એક-એક ટોલ પ્લાઝા સામેલ છે.
2024માં ટોલ ટેક્સથી સરકારને 56,000 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. ફાસ્ટેગના આગમનથી ટોલ પ્લાઝા પરની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં સરકારે ટોલ ટેક્સથી 1.93 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે, કેટલાક ટોલ પ્લાઝા પર હાઈવે બનાવવાના ખર્ચ કરતાં વધુ ટોલ વસૂલાયો છે. ઉદાહરણ તરીકે, ગુડગાંવ-જયપુર હાઈવેનો ખર્ચ 6430 કરોડ રૂપિયા હતો, જ્યારે ટોલથી 9218 કરોડ રૂપિયા વસૂલાયા. એ જ રીતે, દિલ્લી-ગુડગાંવ હાઈવેનો ખર્ચ 2489.45 કરોડ હતો, પરંતુ ટોલથી 2727.50 કરોડ રૂપિયા મળ્યા.
આટલી મોટી આવક થવા છતાં, કેટલાક ટોલ પ્લાઝા પર રસ્તાઓની ગુણવત્તા સારી નથી. આ વધેલી કમાણીનો ઉપયોગ નેશનલ હાઈવેને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે થાય તો અકસ્માતો ઘટે અને ભારતના રસ્તાઓ વિશ્વસ્તરીય બને, એવી આશા રાખીએ.